ઘટના@અમદાવાદ: રિવર્સમાં આવી રહેલા ટેન્કરે બે માસૂમ બાળકીઓને અડફેટે લીધી, 7 વર્ષની બાળકીનું કરુણ મોત

 
ઘટના
અન્ય એક બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના જૂના વાડજ વિસ્તારમાં આજે સવારે BRTS કોરિડોર પાસે પૂરઝડપે રિવર્સમાં આવી રહેલા પાણીના ટેન્કરે રમી રહેલા બે માસૂમ બાળકીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું ગંભીર ઈજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નવરંગપુરા ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવરંગપુરા B ડિવિઝન ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે 8:30 વાગ્યાની આસપાસ હનુમાનપુરાની ચાલી પાસેના નવા બનેલા જાહેર રોડ પર સર્જાયો હતો.

સ્થાનિક રહીશ અને મજૂરી કામ કરતા સંજયભાઈ સોલંકીની 7 વર્ષની દીકરી અસ્મિતા અને તેની બહેનપણી પાયલ (ઉં.વ.6) ઘર પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન એક પાણીના ટેન્કરના ચાલકે અત્યંત બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ટેન્કર રિવર્સમાં લેતા બંને બાળકીઓ ટેન્કર નીચે કચડાઈ ગઈ હતી.ટેન્કરની જોરદાર ટક્કર વાગતા અસ્મિતાને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

જ્યારે પાયલને પણ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. પોતાની લાડકવાઈ દીકરીને નજર સામે જ ગુમાવતા સોલંકી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ટેન્કર ચાલકે જાહેર સુરક્ષાને જોખમાવીને બેફામ રીતે વાહન ચલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમો અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ડ્રાઈવરને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.