ઘટના@અમરેલી: નદીમાં ન્હાવા પડતા 4 યુવાનો ધસમસતા પ્રવાહમાં ડૂબ્યાં, યુવાનોની શોધખોળ હાથ ધરાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી જિલ્લાને મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી ધમરોળી રહ્યા છે. જેને લઈને સ્થાનિક નદીઓ બેકાંઠે વહી રહી છે. ત્યારે રાજુલાના ધારેશ્વર ગામમાં એક કરૂણાંતિકા સર્જાઈ છે. ગામના ચાર યુવાનો ન્હાવા માટે ગામની ધાતરવડી નદીમાં પડ્યા હતા. જોકે નદીનો ધસમસતો પ્રવાહ ચારેયને તાણી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને નદીકાંઠે દોડી આવ્યા હતા.ઘટનાને લઈને મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ અહીં આવી પહોંચ્યા છે અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા છે. ઇન્ચાર્જ મામલદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે, 4 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે. અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે.

