ઘટના@અમરેલી: તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, નિર્માણાધીન બ્રિજનો સળિયો આધેડના માથામાં ઘૂસ્યો
અટલ સનચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી-લીલીયા રોડ છેલ્લા 24 કલાકમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી ખુલ્લી પાડી છે. સલડી નજીક એક આધેડના માથામાં લોખંડનો સળિયો ઘૂસી જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યારે લીલીયા રોડ અંડરબ્રિજમાં બાઈક ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.લીલીયાના સલડી ગામ નજીક રામકૃષ્ણ જીનિંગ નજીક નિર્માણધીન બ્રિજમાં અકસ્માત સર્જાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા નિર્માણાધીન બ્રિજ નજીક કોઈ પણ પ્રકારના બેરીકેડ્સ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા.
આ દરમિયાન બાઈક લઈને જઈ રહેલા આધેડ નીતિન પરમાર નિર્માણધીન બ્રિજની અંદર ખાબક્યા હતા. જેમાં બ્રિજમાં ગોઠવેલ લોખંડનો સળિયો તેના માથામાં આરપાર ઘૂસી ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ ગ્રાઇન્ડર મશીન લાવીને સળિયો કાપ્યો હતો અને લોખંડના સળિયા સાથે જ તેમને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને લઈને સલડીના યુવા ભાજપ કાર્યકરે સાંસદને પત્ર લખી કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો છે.અમરેલી-લીલીયા રોડ પર જ અન્ય એક ઘટનામાં ડાયવર્જનના અભાવે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. નવમી જાન્યુઆરીની વહેલી સવારે 40 વર્ષીય આશીફ સેલોત એક મહિલા અને બાળકી સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા.
અંધારામાં અને ડાયવર્જન બોર્ડ ન હોવાથી તેમનું બાઈક સીધું અંડરબ્રિજ માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં આશીફ સેલોતનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી મહિલા અને બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે લીલીયા રોડ પર અંડરબ્રિજ અને બ્રિજના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગ કે સુરક્ષા બેરીકેડ્સ ન હોવાને કારણે વાહનચાલકો સીધા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.

