ઘટના@અમરેલી: ખીજડીયા ખારી ગામમાં કૂવામાંથી 80 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતાં ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીના ખીજડીયા ખારી ગામની સીમમાં વાડી વિસ્તારમાં ઢોર ચરાવી રહેલા 80 વર્ષીય વૃદ્ધ હિંમતભાઈ મોહનભાઈ ઝખવાડિયા કૂવા પાસે બેઠા હતા. એ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેઓ સંતુલન ગુમાવી બેઠા હતા અને કૂવામાં ખાબક્યા હતા. કૂવાના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે 80 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વાડી વિસ્તારમાં સ્થાનિકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ટીમે કૂવામાંથી વૃદ્ધ હિંમતભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.ઢોર ચરાવતી વખતે બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે ખીજડીયા ખારી ગામ અને મૃતક ઝખવાડિયા પરિવારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

