ઘટના@આણંદ: ભ્રષ્ટાચારની ફરીયાદ કરનાર ખેડૂતને જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગામના સરપંચ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચારની ફરીયાદ કરનાર એક ખેડૂતને જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા ખેડૂતને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. માહિતી અનુસાર આંકલાવ તાલુકાના અંબાવ ગામના એક ખેડૂતને વડોદરાની સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આધેડ વયના આ ખેડૂત ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દાઝવાની કારણ અકસ્માતે લાગેલી આગ નહીં, પરંતુ ઈરાદાપૂર્વક જીવતા આગ લગાવી હત્યા કરવાનો પ્રયાસ હતો.સયાજી હોસ્પિટલમાં દાખલ અંબાવ ગામના ખેેડૂત ભરત પઢિયારે જણાવ્યું કે, મારા ગામની પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે મેં થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રી સુધી અરજી કરી હતી. વારંવાર આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ કે ન ન્યાય મળ્યો. આથી અમે મીડિયાના માધ્યમથી આ અંગે નિવેદન આપ્યું હતું. ભરત પઢિયારે વધુમાં કહ્યું કે, નિવેદન આપ્યા બાદ ગામના સરપંચના પતિએ મને ધમકી આપી, અને બીજા દિવસે અન્ય લોકોએ પણ મને ધમકીભર્યા સંદેશ આપવાનું શરૂ કર્યું. અચાનક સરપંચ કોકિલાબેન અને તેમના પતિ દિનેશભાઈ અન્ય લોકો સાથે આવ્યા અને મને માર મારવા લાગ્યા.
વધુમાં કહ્યું કે મને મારતા મારતા તેઓ ગામની વચ્ચે લઈ ગયા. જ્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, તેમના પુત્ર નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળીથી આગ લગાવી હતી. દિનેશભાઈએ મને લાત મારી નીચે પાડી દીધો અને આગ લગાવી ભાગી ગયા. તેમની સાથે રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો પણ હતા. ભરતભાઈને લાગેલી આગને ઓલવીને તેમને આંકલાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. આ મામલે પોલીસ પીડિતનું નિવેદન નોંધી ગામના સરપંચ સહિત પાંચ લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

