ઘટના@આણંદ: કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત, 2ના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.