દુર્ઘટના@આણંદ: રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા 2 માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત

 
ઘટના
 આ કરુણ ઘટનાને પગલે અરેરાટી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા નજીકના એક રિસોર્ટમાં રજાઓ માણવા આવેલા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા 2 માસૂમ બાળકો ડૂબી જતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા. શનિ-રવિની રજાઓ માણવા માટે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી એક પરિવાર ઉમેટા નજીક આવેલા 'કામધેનુ રિસોર્ટ' ખાતે આવ્યો હતો. પરિવારજનો રિસોર્ટમાં રોકાયા હતા.

આ દરમિયાન બંને બાળકો રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં નાહવા માટે પડ્યા હતા. નાહતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળકો ડૂબવા લાગ્યા હતા.બાળકો પૂલમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ માતા-પિતા બંને બાળકોને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસની મદદથી તાત્કાલિક બંને બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ ચકાસણી બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.