ઘટના@આણંદ: પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાયણ પહેલા એક દુખદ ઘટના સામે આવી છે. પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લગતા 10 વર્ષના નાના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ મૃતકના પરિજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આણંદ જિલ્લાના ભાણપુરા વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે.બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો, આ દરમિયાન પતંગની દોરી નજીકથી પસાર થતી વીજ લાઇનને અડી ગઈ હતી.
અચાનક ભારે વીજ કરંટ લાગતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પરિવારજનો તાત્કાલિક જ મદદ માટે દોડી આવ્યા હતા. જોકે કરંટની તીવ્રતાને કારણે બાળકનું સ્થળ પર જ મોત થયું હતું. મૃત બાળકનું નામ જયવીર દિલીપસિંહ રાજ હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 10 વર્ષની નાની ઉંમરે થયેલા નિધનને લઈ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આણંદની આ ઘટના તમામ માતા-પિતા અને બાળકો માટે ચેતવણીરૂપ છે. પતંગ ચગાવતા સમયે ખાસ કરીને વીજ લાઇનથી દૂર રહેવું જોઈએ.

