ઘટના@આણંદ: અમદાવાદથી વડોદરા જતી માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અફરાતફરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદ રેલવે સ્ટેશન નજીક અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી નીચે ઉતરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ ટ્રેને માલગાડી પાટા પરથી ખસી જતાં મોટો અવાજ થયો હતો, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી રેલવે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
બનાવની જાણ થતાં જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક રહીશોના ટોળેટોળાં પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. રેલવે ટ્રાફિકને વધુ અસર ન પહોંચે તે માટે અધિકારીઓ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રેલવેના ઇજનેરો અને કર્મચારીઓ દ્વારા ટ્રેક પરથી નીચે ઉતરી ગયેલા ડબ્બાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેકને પુનઃ કાર્યરત કરવા અને રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટે ક્રેન સહિતની ભારે મશીનરીની મદદ લેવાઈ રહી છે.

