ઘટના@કડી: 5 વર્ષની બાળકીનું ખેતરના શેઢેથી કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર
છેલ્લા ૮ દિવસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થઈ હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના કડી પંથકમાં આવેલા થોળ ગામમાંથી કાળજું કંપી જાય તેવી અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે. થોળ ગામમાંથી છેલ્લા 8 દિવસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલી 5 વર્ષની માસૂમ બાળકીનું સીમ વિસ્તારમાં એક ખેતરના શેઢેથી માત્ર કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને શોકનું મોજું ફરી વળ્યું છે. થોળ ગામે રહેતા શ્રમિક પરિવારની ૫ વર્ષની દીકરી આઠ દિવસ પહેલાં અચાનક લાપતા થઈ ગઈ હતી. પરિવારે ભારે શોધખોળ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો ન લાગતાં આખરે બાવલુ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
માસૂમ બાળકીને સહીસલામત શોધવા માટે બાવલુ પોલીસે દિવસ-રાત એક કરી દીધા હતા. પોલીસની અલગ-અલગ ટીમો, સ્થાનિક ગ્રામજનો અને સ્નિફર ડોગ્સની મદદથી થોળ અભયારણ્યની આસપાસના સીમ વિસ્તારો, ઝાડી-ઝાંખરાં તેમજ ખેતરોમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સતત આઠ દિવસની શોધખોળ વચ્ચે થોળ સીમ વિસ્તારના એક ખેતરના શેઢેથી માનવ કંકાલ અને હાડકાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળે કંકાલની નજીકથી ગુમ થયેલી બાળકીએ જે કપડાં પહેર્યા હતા તે જ કપડાં મળી આવ્યા હતા. આ કપડાં જોઈને પરિવારજનોએ આ કંકાલ પોતાની ગુમ થયેલી લાડકવાયી દીકરીનું જ હોવાની પુષ્ટિ કરી હતી, જેના પગલે પરિવારજનોમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું.
થોળ પંથક વન્યજીવો અને પક્ષી અભયારણ્ય નજીકનો વિસ્તાર ધરાવતો હોવાથી કોઈ હિંસક જંગલી પ્રાણી કે વિશાળકાય અજગરે માસૂમ બાળકીનો શિકાર કર્યો હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે.બાવલુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કંકાલ અને હાડકાંના અવશેષો કબ્જે લીધા હતા. બાળકીનું મોત જંગલી જાનવરના હુમલાથી થયું છે કે આ ઘટના પાછળ કોઈ અજાણ્યા તત્વોનું ગુનાહિત ષડયંત્ર છે, તેની સચોટ વિગતો મેળવવા માટે તમામ નમૂના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીતેમજ DNA ચકાસણી અર્થે મોકલી આપી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

