ઘટના@બનાસકાંઠા: છાપી નજીક ફેક્ટરીમાં એર બ્લાસ્ટ, 1 યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

 
એર બ્લાસ્ટ

ટેન્કનું ઢાંકણું જોરદાર ધડાકા સાથે ઉડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક આવેલી એક ફેક્ટરીમાં ગંભીર અકસ્માત સર્જાતા 1 યુવકનું કરૂણ મોત થયું છે. આ દુર્ઘટના ફેક્ટરીના ટેસ્ટિંગ એરિયામાં બની હતી, જ્યાં અચાનક એર બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં હવાના પ્રેશરથી ચાલતી ટેન્કમાં અચાનક પ્રેશર વધી જતાં આ ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ હવાના દબાણના કારણે ટેન્કનું ઢાંકણું જોરદાર ધડાકા સાથે ઉડી ગયું હતું, જેના કારણે આ ગંભીર ઘટના સર્જાઈ હતી.એર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકમાં કામ કરી રહેલો યુવક તેની ઝપેટમાં આવી ગયો હતો.

હવાના પ્રચંડ બળથી યુવક હવામાં ફાંગોળાઈને દૂર ફેંકાયો હતો. બ્લાસ્ટના કારણે યુવકને માથાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા Improved કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બ્લાસ્ટની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ છાપી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફેક્ટરીના સંચાલકો અને અન્ય કર્મચારીઓના નિવેદનોના આધારે હાલમાં આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેન્કના ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.