ઘટના@બનાસકાંઠા: ઉણ ગામે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઇ, પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રુણી ગામે ચૌધરી સમાજની બેઠક પૂરી થતા જ ઉણ ગામમાં હિંસક અથડામણ ફાટી નીકળી હતી. કિંજલ રબારીના કેસ બાદ એક વર્ષ જૂના પ્રેમ લગ્નના વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવી ગયા છે. જેમાં 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખ્યા છે. વાવ, થરાદ અને બનાસકાંઠા પોલીસનો મોટો કાફલો ઉણ ગામે દોડી ગયો છે. દીકરીને પરત લાવવાની માંગ સાથે આજે ચૌધરી સમાજે રુણીમાં જે આક્રોશ વ્યક્ત કરાયો હતો, તેની સીધી અસર આજે ઉણ ગામમાં જોવા મળી છે. હાલમાં સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને પોલીસ છાવણીમાં ફેરવાયેલું ઉણ ગામ અત્યારે અંજપાભરી શાંતિ છે.
પોલીસે જણાવ્યું છે કે 'પ્રેમ લગ્ન મુદ્દે ભાભરમાં બેઠક યોજાઇ હતી, જે પછી 60 થી 70 ટકા લોકો ત્યાંથી જતાં રહ્યા હતા પરંતુ 30 ટકા લોકો જેઓ આગેવાન નથી તેઓ સીધા ગાડીઓ લઈને ઊણ ગામ પહોંચી ગયા હતા. ત્યાં કોઈ છોકરી કે છોકરો રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી. માત્ર તેની અંપગ માતા રહે છે, ત્યાં જઈને કહ્યું હતું કે છોકરી પરત આપો', મહત્વનું છે કે આ ઘટના બાદ સ્થિતિ વણસી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં લાકડીઓને લઈને ભેગા થયા છે અમુક દ્રશ્યોમાં કારમાં તોડફોડ પણ દેખાઈ રહી છે. જે બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, સ્થિતિને કાબૂમાં લેવા માટે ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા. બીજી તરફ મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જનો સહારો પણ લીધો હતો.

