ઘટના@બનાસકાંઠા: જમાઈને બચાવવા સસરા અને સાળાનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત

 
નર્મદા
સતત 8 કલાકની ભારે જહેમત બાદ સસરા અને સાળાના મૃતદેહો મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના થરાદ પાસે જમડા પુલ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જમાઈએ અગમ્ય કારણોસર કેનાલમાં કૂદકો માર્યો હતો, જેને બચાવવા માટે તેના સસરા અને બે સાળાઓ પણ કેનાલના પાણીમાં કૂદી પડ્યા હતા. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ત્વરિત સમયસૂચકતા વાપરીને જમાઈ અને એક સાળાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા.પરંતુ ઊંડા પાણીના પ્રવાહમાં સસરા અને બીજો સાળો ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા બંને વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે અંધારું વધી જવાના કારણે અને પાણીના તીવ્ર પ્રવાહને લીધે રેસ્ક્યૂ ઓપરેશન રોકવું પડ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારથી ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 8 કલાકની ભારે મથામણ અને જહેમત બાદ સસરા અને સાળાના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. કેનાલ કિનારે લોકોના મોટા ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી થરાદ પોલીસની ટીમે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.