ઘટના@બનાસકાંઠા: અંબાજીમાં લોકોએ ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો અને તીરથી હુમલો કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ઘટના દરમિયાન અનેક અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અંબાજીમાં પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન બાબતમાં ફોરેસ્ટ અધિકારીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચતા, પોલીસ કર્મચારીઓ પર પણ પથ્થરમારો થયો.
પથ્થરમારાથી ઇજાગ્રસ્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટ વિભાગની કર્મચારીઓ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની જાણ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા અંબાજી પીઆઈ આર.બી.ગોહિલ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્તળે પહોંચ્યા હતા. અંબાજી પીઆઈ આર.બી. ગોહિલને તીર મારવામાં આવ્યું હતું.
કાનના ભાગે તીર વાગતા પીઆઈ બેભાન થઈ જવા પામ્યા હતા. પી.આઈ.ની હાલત ગંભીર થતા LCB એ તેમનો આબાદ બચાવ કર્યો હતો. હાલ પીઆઈની હાલત ગંભીર છે. પથ્થરમારા દરમ્યાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને પણ નુકસાન થવા પામ્યું હતું. સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળતા લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો અને સળગાવી દીધી હતી.

