ઘટના@ભચાઉ: જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન અકસ્માત, વીજ થાંભલો પડતાં બાળકનું દર્દનાક મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. ગામમાં યોજાયેલા પરંપરાગત મટકીફોડ કાર્યક્રમ દરમિયાન એક વીજ થાંભલો લોકોના ટોળા પર પડી ગયો, જેના કારણે બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, અન્ય બાળકને ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ચોબારી ગામમાં શનિવારે સાંજે જન્માષ્ટમીના તહેવારની રોનક જોવા મળી રહી હતી.
ગામના યુવાનો અને બાળકો મટકીફોડના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન, અચાનક એક વીજ થાંભલો નીચે પડી ગયો, જેના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ. આ થાંભલો લોકોના ટોળા પર પડતાં બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા.સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બીજા બાળકની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.