ઘટના@ભુજ: પાણીપુરી ખાધા બાદ100 થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી
તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના ભુજ પાસે આવેલા લોડાઈ વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એકસાથે 100થી વધુ લોકોની તબિયત લથડતા દોડધામ મચી ગઈ છે. ફૂડ પોઈઝનિંગની આ ગંભીર ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.લોડાઈ વિસ્તારમાં ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં લોકોએ સ્થાનિક લારી પર પાણીપુરીનો આનંદ માણ્યો હતો. થોડા જ કલાકોમાં એક પછી એક લોકોને ઉલ્ટી, ડાયરીયા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી.
જોતજોતામાં દર્દીઓની સંખ્યા 100 ને પાર કરી ગઈ હતી, જેના કારણે લોડાઈ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે. અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાણીપુરીમાં વપરાતા પાણી, મસાલા અને ચણા-બટાકાના નમૂના એકત્ર કર્યા છે. આ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અશુદ્ધ પાણી અથવા વાસી સામગ્રીના ઉપયોગને કારણે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે મોટાભાગના દર્દીઓની હાલત સ્થિર છે, પરંતુ તકેદારીના ભાગરૂપે હજુ પણ ઘણા લોકોને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અચાનક આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો અને યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી.

