બનાવ@ભુજ: કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભુજ તાલુકાના વરનોરા ગામમાં એક કૂવામાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે વરનોરા ગામમાં ગમગીની અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ટીમ અને માધાપર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર વિભાગના જવાનોએ કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ મહિલાની લાશને બહાર કાઢી હતી. મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા બાદ પોલીસે તેની ઓળખ અને મૃત્યુના કારણો જાણવાની તજવીજ હાથ ધરી છે. જે રીતે મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો છે. તેના પરથી પોલીસ દ્વારા મહિલાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈએ મહિલાની હત્યા કરીને પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હોવાની શક્યતાને પગલે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આ કેસમાં રહસ્ય ઘેરું હોવાથી, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. FPM રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાનું મોત કુદરતી હતું, આત્મહત્યા હતી કે પછી હત્યા, તેનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

