ઘટના@બોટાદ: તલોદથી પ્રવાસે આવેલા 40 વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડતાં અફરાતફરી

 
ઘટના
40 જેટલા વિદ્યાર્થીઓ ઇમરજન્સી વોર્ડમાં દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોટાદમાં સાબરકાઠાના તલોદથી પ્રવાસે આવેલા 40 જેટલા વિદ્યાર્થીઓની તબિયત અચાનક ખરાબ થઈ જતાં અફરાતફરી સર્જાઈ હતી. શરદી અને તાવના લક્ષણો જણાતાં તમામ બાળકોને મોડી રાત્રે બોટાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 40 વિદ્યાર્થીની તાત્કાલિક સારવાર માટે તબીબો ખડેપગે રહ્યા હતા. સવારે તમામ બાળકોની સ્થિતિમાં સુધાર થતાં તેમને રજા આપવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના તાલોદથી બે બસોમાં 90 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તમામ બાળકોની તબિયત ખરાબ થવા લાગી હતી. રાતે આ બસ બોટાદ આવતાં તમામ બાળકોને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાતાં તબીબોની ટીમે સારવાર શરુ કરી હતી. બાળકોને યોગ્ય સારવાર મળતા સવાર સુધીમાં તેમની તમામની સ્થિતિ સ્થિર થઈ હતી. પરંતુ આ સંકટની ઘડીમાં રિક્ષા એસોશિયેશને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડીને બાળકોને 35થી 40 ચાદરોની વ્યવસ્થા કરી આપી હતી. મોડી રાત્રે બાળકો પાસે રોકાઈને રિક્ષાચાલકોએ તમામ મદદ પૂરી પાડી હતી.