ઘટના@છોટાઉદેપુર: નંબર વગરની ટ્રકે મોપેડચાલકને અડફેટે લીધો, યુવાનનું કમકમાટીભર્યું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોડેલીમાં છોટા ઉદેપુર રોડ પરથી રેતી ભરવા જતી એક નંબર વગરની ટ્રકે મોપેડચાલક યુવાનને અડફેટમાં લેતા, યુવાનનું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.યુવાન પોતાની મોપેડ લઈને બોડેલી અલીપુરા ચાર રસ્તાથી છોટા ઉદેપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક નંબર વગરની ટ્રકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ યુવાન રોડ પર પટકાયો હતો અને ટ્રકના પાછળના તોતિંગ વ્હીલ તેના માથા પરથી ફરી વળ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોડેલી પંથકમાં ખુલ્લેઆમ પોલીસની નજર સામેથી અનેક નંબર વગરના વાહનો અને ડમ્પર-ટ્રકો પસાર થાય છે, છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

