ઘટના@છોટાઉદેપુર: બોડેલીમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાંદલજા ધનપુર વસાહતમાં રહેતી 4 વર્ષીય રિયાન્સી ગઈકાલે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવ્યો છે.ગઈકાલે બાળકી તેના પિતા અને દાદા સાથે ખેતરેથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે દાદાના હાથમાંથી માસુમ રિયાન્સીનો હાથ છૂટી ગયો હતો અને તે જોતજોતામાં કોતરના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ગઈકાલથી જ NDRFની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. NDRFની ટીમે ભારે જહેમત બાદ આજે સવારે ઘટનાસ્થળેથી અંદાજે 500 મીટર દૂરથી 4 વર્ષીય રિયાન્સીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. NDRF દ્વારા બાળકીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ગામ અને પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

