ઘટના@છોટાઉદેપુર: પાણેજ ગામમાં આધેડ ભૂવાએ 5 વર્ષની બાળકની બલીના નામે હત્યા કરી

બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાખ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છોટાઉદેપુરમાં હચમચાવી નાખે તેવી ઘટનાઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચડાવી દેવાઈ છે. છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો બનાવ છે. આધેડ ભૂવાએ 5 વર્ષની બાળકની બલીના નામે હત્યા કરી છે.આધેડ ભૂવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી છે. બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાખ્યું હતું. બાળકી બાદ એના નાના ભાઈની પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા. ગામલોકોએ બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી છે.સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું કે, ગામમાં ક્રૂર હત્યા કરવામાં આવી છે. પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈએ રાજુભાઈની પાંચ વર્ષની દીકરીને ઉચકીને લઈ જઈને તેના ઘરમાં તાંત્રિક વિધિ કરતો હોય તેવું અમારું માનવું છે. તેણે ઘરમાં માતાનું મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈ કુહાડીનો ઘા મારી એની કરુણ હત્યા કરવામાં આવી છે. આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માગ છે.સ્થાનિક ગમલેશભાઈનું કહેવું છે કે, પાણેજ ગામમાં 5-6 વર્ષની બાળકીની હત્યા થઈ છે. પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે અને આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી અમે અપીલ કરીએ છે. ગામ લોકો કહે છે કે તે ગુસ્સાવાળો માણસ હતો. ગામ લોકો કહે છે કે, તાંત્રિક વિધિ માટે તેણે બલી ચઢાવી છે.