ઘટના@છોટાઉદેપુર: દીપડાના હુમલામાં ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની બાળકીનું કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર આંગણે રમી રહેલી માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કરી દેતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.
મોટા વાજપુર ગામે ઘર આંગણે 4 વર્ષીય ભવ્યા રાઠવા રમી રહી હતી. આ દરમિયાન અચાનક ધસી આવેલા દીપડાએ બાળકી પર હુમલો કરી દીધો હતો. દીપડાના પંજા અને દાંત વાગવાથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.
બાળકીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગ્રામજનોમાં વ્યાપેલી દહેશતને દૂર કરવા અને હિંસક દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા તાબડતોબ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની ત્વરિત કામગીરીને પગલે કલાકોની ગણતરીમાં જ હુમલાખોર દીપડો પાંજરે પૂરાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

