ઘટના@દેશ: મહાકુંભથી પરત ફરતી આંધ્રપ્રદેશની બસને નડ્યો અકસ્માત, 7 શ્રદ્ધાળુઓના મોત

ટ્રક અને ટ્રાવેલર બસ એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના મોત નિપજ્યા છે. પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી, બનાવની જાણ થતા જ કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નેશનલ હાઈવે 30 પર વહેલી સવારે 9:15 વાગ્યાની આસપાસ મોહલા બરગી વચ્ચે નહેર પાસે આ અકસ્માત સર્જાયો હતો.
ટ્રક અને ટ્રાવેલર બસ એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. અથડામણ બાદ સામેથી આવતી સફેદ કારે બંને વાહનોને ટક્કર મારી હતી. જો કે એરબેગ ખુલી જવાના કારણે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. કારમાં સવાર લોકો હૈદરાબાદના રહેવાસી હતા, જેઓ પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 7 મૃતદેહોને બહાર કાઢ્યા છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. ટ્રાવેલર બસમાં લગભગ 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતા અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.