ઘટના@દેશ: મહાકુંભમાં ફરી લાગી ભીષણ આગ, અનેક ટેંટ બળીને ખાખ

 
આગ ની ઘટના
ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બુધવારે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગની ઘટના હજુ શમી પણ ન હતી કે ગુરુવારે મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી ગઈ. ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં ઘણા ટેંટ બળીને રાખ થઈ ગયા છે.ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગુરુવારે બપોરે મહાકુંભમાં ફરી એકવાર ભીષણ આગ લાગી. આના કારણે એક ડઝનથી વધુ ટેંટ બળી ગયા હોવાના અહેવાલ છે. આ વખતે છતનાગ ઘાટનુા નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસેના ટેન્ટ સિટીમાં આગ લાગી હતી. આ ઘાટ છતનાગ પાસે ઝુંસી તરફ મેળાના કિનારે છે. એક ખાનગી કંપની દ્વારા સ્થાપિત વૈદિક ટેન્ટ સિટીમાં આગ લાગી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અગાઉ 19 જાન્યુઆરીએ ગોરખપુરના ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. ત્યારબાદ દોઢસોથી વધુ કોટેજ બળીને રાખ થઈ ગયા હતા.

સેક્ટર 19માં શાસ્ત્રી બ્રિજ પાસે ગીતા પ્રેસ કેમ્પ સ્થાપવામાં આવ્યો હતો. ત્યારે વહીવટીતંત્રે કહ્યું હતું કે નાના સિલિન્ડરમાં લીકેજ આગનું કારણ હતું. ગીતા પ્રેસના લોકોએ કહ્યું હતું કે તેનું કારણ બહારથી આવતી આગ હતી.સંયોગ એ છે કે છેલ્લી વખત જ્યારે આગ લાગી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજમાં હતા. આજે જ્યારે આગ લાગી ત્યારે રાજ્યના બંને ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય સચિવ અને ડીજીપી, મહાકુંભ મેળા વિસ્તારમાં હતા. ગઈકાલે થયેલી ભાગદોડ પાછળના કારણોની તપાસ કરવા માટે બંને અધિકારીઓ પહોંચ્યા છે. આ નાસભાગમાં ત્રીસેક લોકોના મોત થયા છે અને લગભગ 60 લોકો ઘાયલ થયા છે.