ઘટના@દેશ: ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 50થી વધુને ઈજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો અકસ્માત સર્જાયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રોલી સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચી છે. જેમાં 2 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદાર નગર હવેલીના રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તીર્થયાત્રાએ નિકળ્યા હતા. આ લોકો કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં પ્રભુ રામના દર્શન કરી મથુરા વૃંદાવન જઇ રહ્યા હતા. ફિરોજાબાદ જિલ્લામાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઇલ્સ્ટોન 54 પાસે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ લોકો અયોધ્યાથી મથુરા જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા.