ઘટના@દેશ: ટ્રકે કારને ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના બેવર નગરમાં આજે ભયાનક અકસ્માત થયો છે. અહીં ફરૂખાબાદ રોડ પર પુરઝડપે દોડી રહેલા ટ્રકે કારને હવામાં ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. ઘટનામાં મૃતકોમાં એક પુરુષ, બે મહિલા અને બે બાળકીઓ સામેલ છે. ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.મળતી માહિતી મુજબ કારમાં સવાર પરિવાર ફરૂખાબાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલીક જાણ કરતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. મેનપુરી પોલીસ અધિક્ષકે કહ્યું કે, ટ્રક પુરપાટ ઝડપે દોડી રહ્યું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે.