ઘટના@દેશ: જમ્મુ કાશ્મીરમાં દુ:ખદ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડતા પાંચ લોકોના મોત

 
અકસ્માત
17 લોકો ઘાયલ થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. ડોડા જિલ્લાના બારથ માર્ગ પર એક ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડી ગયો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાહત. જ્યારે 17 લોકો ઘાયલ થયા. વાહનને તો આ અકસ્માતમાં સંપૂર્ણપણે નુકસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈને તપાસ શરૂ કરી છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના પોંડા વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં પડી ગયો.

આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના અંગે અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે ડોડા-બારથ રોડ પર પોંડા વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. ટેમ્પો નંબર JK06-4847 રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા અને 17 લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે વાહનમાં ઘણા મુસાફરો હતા. અકસ્માતનો ભોગ બનેલ ટેમ્પો ટ્રાવેલરમાં 20થી વધુ મુસાફરો સવાર હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, ડોડા શહેરથી લગભગ 30 કિમી દૂર પોંડા નજીક ડોડા-બારથ રોડ પર સવારે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં મોહમ્મદ અશરફ (35 વર્ષ), મંગતા વાની (51 વર્ષ), અત્તા મોહમ્મદ (33 વર્ષ), તાલિબ હુસૈન (35 વર્ષ) અને રફીકા બેગમ (60 વર્ષ)ને ડોડાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, બચાવ કાર્યકરોએ 17 લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ ઉઝમા જાન (5 વર્ષ)ને વિશેષ સારવાર માટે જમ્મુ રિફર કરવામાં આવી છે.વાહન ખાઈમાં પડતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બાદમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે.