ઘટના@દાહોદ: શાળામાંથી ધો.1ની વિદ્યાર્થીનીની લાશ મળી આવતા ચકચાર, પરિજનો આઘાતમાં સરી પડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં હચમચાવી દેનાર ઘટના સર્જાઇ છે. શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષની વિદ્યાર્થીની લાશ મળી આવતાં હાહાકાર મચ્યો છે. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાસ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ વડે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થીનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું.
નિયતક્રમ મુજબ સવારે 10 વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવાછતાં ઘરે પરત ફરી ન હતી. જેથી કરીને પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. દિકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી આ ઘટનામાં એફ.એસ.એલની પણ મદદમાં આવી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પી.એમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીનું મોત કઇ રીતે થયું છે તે અંગેનું સાચું કારણ જાણી શકાશે. આ દર્દનાક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. કયા ઇરાદે માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે તપાસની શરૂઆત કરી દીધી છે.