ઘટના@દાહોદ: લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ 400થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ

 
ઘટના
કેટરર્સ કે અન્ય કોઈની બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા-ઊલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા અને ઝાડા-ઊલટી થવા લાગ્યા હતા.

સ્થિતિ એટલી હદે વણસી હતી કે ગામમાં જ યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ તબીબોની વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ અભલોડ દોડી આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે લગ્નમાં પીરસવામાં આવેલ 'કેરીનો રસ' અને 'પનીરનું શાક' ખાવાથી લોકોને ઇન્ફેક્શન થયું હોઈ શકે છે.આરોગ્ય વિભાગની ટીમે લગ્ન સ્થળેથી ભોજનના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.