ઘટના@દેશ: રાજસ્થાનમાં બસ પુલ સાથે અથડાયા બાદ પલટી જતા 10 મુસાફરોના મોત, 25થી વધુને ઈજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે ખાનગી બસનો અકસ્માત થયો છે, જેમાં 10 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુને ઈજા થઈ હોવાના વિગતો સામે આવી છે. હાલ પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત અંગે એવી માહિતી સામે આવી છે, મૃતકોમાં પાંચ મહિલા પણ સામેલ છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ સુજાનગઢથી સાલાસર-લક્ષ્મણગઢ-નવલગઢ થઈને જઈ રહી હતી. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, બસની સ્પીડ વધુ હોવાને કારણે યોગ્ય વળાંક ન લઈ શકાયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ લક્ષ્મણગઢ લઈ જવામાં આવ્યા છે.
પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરાએ એક્સ પર પોસ્ટ કર્યું છે. લક્ષ્મણગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોતના હૃદયદ્રાવક સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. અકસ્માતની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 'જીવન ગુમાવવું અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે, મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે મારી ઊંડી સંવેદના છે'.