ઘટના@દેશ: ચોથા ધોરણમાં ભણતી બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરાતાં ખળભળાટ

 
બંગાળ
સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના જયનગરમાં ચોથા ધોરણમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી છે.સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ રોષે ભરાયા હતા અને આજ (પાંચમી ઓક્ટોબર) સવારથી જ ભારે હંગામો ચાલી રહ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ સામે સૂત્રોચ્ચાર કર્યા અને તેમને ભગાડી હતી.

આ ઉપરાંત આરોપીના ઘર અને સ્થાનિક મહિષામારી પોલીસ ચોકીમાં પણ ભારે તોડફોડ કરી હતી. વિફરેલા ટોળાએ પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી. આ વિસ્તારમાં મુખ્ય માર્ગને બ્લોક કરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. મહિલાઓએ લાકડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચેલા બરુઈપુરના SDPOનો પણ પીછો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ છે.આ ઘટનાના આરોપી મુસ્તાકિન સરદારની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે જણાવવામાં આવે છે કે, વિદ્યાર્થિની શુક્રવારે બપોરે ટ્યુશન માટે નીકળી હતી. રાત થઈ ગયા બાદ પણ તે ઘરે પરત ફરી ન હતી. વિદ્યાર્થિનીના પિતા રાત્રે જયનગર પોલીસ સ્ટેશન ગયા હતા.