ઘટના@ધંધુકા: યુવકની હત્યા બાદ બે જૂથો વચ્ચે અથડામણ, વાહનો અને દુકાનોને આગચંપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક હિન્દુ યુવાનની હત્યાની ઘટના બાદ બે કોમ સામ સામે આવી જતાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે બે ધર્મના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. ફાટી
હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. એવી ચર્ચા છે કે બંને યુવકો વચ્ચે વાહન ઓવરટેક જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાયું હતું. ધંધુકાના પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી.
અચાનક ફાટી નીકળેલી આ હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ સુરક્ષાના ભાગરૂપે પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એસપીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

