ઘટના@દ્વારકા: ગોમતી નદીમાં ત્રણ દર્શનાર્થીઓ ડૂબ્યાં, તરવૈયા દ્વારા એકનો બચાવ, અન્ય બે લાપતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દ્વારકામાં આજે બપોરના સમયે ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા 3 શ્રદ્ધાળુઓ ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતાં એકને બચાવી લેવામા આવ્યો. અન્ય બેની શોધખોળ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. આ તમામ લોકો પાટણ જિલ્લાના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આજે બપોરના સમયે પાટણથી દેવભૂમિ દ્વારકા મંદિરે દર્શન કરવા આવેલા 3 યાત્રાળુઓ ગોમતી નદીમાં સ્નાન કરતા ઉતર્યા હતા. જ્યા પાણીનો ફ્લો વધારે હોવાથી ડૂબ્યા હતા.
સમગ્ર ઘટના અંગેની જાણ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ટીમ દોડી આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી તેજ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિ પાણીમાં ગરકાવ થતા તેમની શોધખોળ કામગીરી ચાલુ છે. મળતી વિગતો પ્રમાણે ડૂબી ગયેલા બંને મામા-ભાણેજ હતા અને પાટણ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમની ઓળખ શૈલેષભાઇ ગોસ્વામી (ઉંમર 27 વર્ષ, રહે. મેત્રાણા, સિદ્ધપુર, જિ. પાટણ) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉંમર 16 વર્ષ) હોવાની વિગતો મળી છે. ફાયર બ્રિગેડની ટીમે યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અન્ય બે શ્રદ્ધાળુઓની સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી છે.