ઘટના@ગાંધીનગર: 7 વર્ષના બાળકનું કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત, તંત્ર પર ઊભા થયા સવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસું શરૂ થયાના થોડા જ સમયમાં તંત્રની બેદરકારીઓ સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક આધેડનું તંત્રની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. આજે ગાંધીનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં સાત વર્ષના કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર-1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગર પાલિકા દ્વારા નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. તેની આસપાસ કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ લગાવવામાં નહતી આવી.
આ દરમિયાન સોમવારે સાંજે કુલદીપ નામનો સાત વર્ષનો બાળક આ વિસ્તારમાંથી સાઇકલ ચલાવીને જઈ રહ્યો હતો. તે વખતે કુલદીપ આ કૃત્રિમ તળાવમાં પડી ગયો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે અહીં મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. લોકોમાં શોકની લાગણી છવાઈ છે. આ સાથે જ તંત્ર ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.