ઘટના@ગાંધીનગર: ગરબામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને આગચંપી, લોકોમાં અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બે જુથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, ત્રણેક દુકાનોમાં આગ લગાવી છે. પોલીસે ટીયરગેસના 5 શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. પથ્થરમારાને લઈને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી.પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.