ઘટના@ગીરસોમનાથ: શિક્ષકની શરમજનક કરતૂત, વિદ્યાર્થીને 500 રૂપિયા આપીને દારૂ મંગાવતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવેલા એક કિસ્સાએ સમગ્ર શિક્ષણ જગતને શરમમાં મૂકી દીધું છે. એક શિક્ષકે પોતાની મર્યાદા ઓળંગીને વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાની ગંભીર ઘટના સામે આવી છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટના ત્યારે સામે આવી જ્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકની હકીકત જણાવી.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, શાળાના એક શિક્ષક લાંબા સમયથી પોતાની આદતને સંતોષવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા હતા. શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસના કામને બદલે નશાના કામમાં જોતરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના આ ખુલાસાએ વાલીઓ અને ગ્રામજનોના હોશ ઉડાવી દીધા છે.વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, શિક્ષક તેમને શાળા દરમિયાન જ અવારનવાર દારૂ લેવા માટે મોકલતા હતા. આ માટે તેઓ વિદ્યાર્થીના હાથમાં 500 રૂપિયાની નોટ પકડાવી દેતા અને શાળા નજીકની દારૂની દુકાન કે અડ્ડા પરથી દારૂની કોથળી કે બોટલ મંગાવતા હતા.
આઘાતજનક વાત એ છે કે, જો કોઈ વિદ્યાર્થી દારૂ લાવવાની ના પાડવાનો પ્રયત્ન કરે, તો પણ આ શિક્ષક માનતા નહોતા. શિક્ષક તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને તેઓ વિદ્યાર્થીઓ પર દબાણ લાવતા હતા. વિદ્યાર્થીઓને ડરાવી-ધમકાવીને કે પછી પોતાની વાત માનવા માટે મજબૂર કરીને અવારનવાર દારૂ મંગાવતા હતા. માસૂમ બાળકોને શાળાના વાતાવરણમાં સુરક્ષિત રહેવાને બદલે આવી રીતે નશાના કારોબારમાં ધકેલી દેવાયા, તે શિક્ષણ વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ ઉભો કરે છે.
આ ઘટના વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, શું શાળામાં બાળકોને સુરક્ષિત ગણી શકાય? જે શિક્ષક પર બાળકોના ભવિષ્યની જવાબદારી છે, તે જ શિક્ષક જો બાળકોને નશાના રવાડે ચઢાવતા હોય, તો બાળકોનું ભવિષ્ય ક્યાં સુરક્ષિત છે? વાલીઓએ તંત્ર પાસે આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સ્થાનિક શિક્ષણ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું શાળામાં શિક્ષકોની આ હરકતો પર કોઈનું ધ્યાન નહોતું? આ શિક્ષક કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હતા? આ તમામ બાબતોની ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે. શિક્ષણ વિભાગ હવે આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

