ઘટના@ગીરસોમનાથ: દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, સમગ્ર પંથકમાં ભયનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં રવિવારે દીપડો ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો હતો. જે બાદ આજે સવારે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. મોરાસા ગામમાં રમેશ ચાવડાની ત્રણ વર્ષની દીકરી કુંદના રવિવારે રાત્રે ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી.
આ દરમિયાન પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. ત્યારે અચાનક જ માનવભક્ષી દીપડો આવ્યો અને બાળકીને ઊઠાવીને લઈ ગયો હતો. પરિવારજનોએ બાળકીને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા પણ હાથમાં કાંઈ આવ્યું નહીં. આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી અને આખી રાત શોધખોળ કર્યા બાદ સોમવારે સવારે વોકળામાંથી ફાડી ખાધેલો બાળકીનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યાં છે.