ઘટના@ગોંડલ: કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી

 
ઘટના
પોલીસે નિષ્ઠુર માતા-પિતાની ઓળખ મેળવવા માટે શોધખોળ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોંડલમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સ્મશાન રોડ પર આવેલા પુલના ખૂણામાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માહિતી અનુસાર કચરો વીણતા એક યુવાનની નજર કચરાના ઢગલામાં પડેલી એક પ્લાસ્ટિકની થેલી પર પડી હતી. શંકા જતાં તેણે થેલી ખોલીને જોયું, તો તેમાં એક નવજાત શિશુનો મૃતદેહ હતો. આ દ્રશ્ય જોઇને યુવાન સ્તબ્ધ થઈ ગયો હતો અને તેણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા શિશુના મૃતદેહનો કબજો લઈ તેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.હોસ્પિટલના તબીબો દ્વારા મૃતદેહની પ્રાથમિક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ આશરે સાત માસનો અધૂરા માસે જન્મેલો ગર્ભ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોઈ કળિયુગી માતાએ અધૂરા માસે જન્મેલા આ બાળકનાં મૃતદેહને છુપાવવાના ઇરાદે તેને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો.આ ઘૃણાસ્પદ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધ દયાવિહીન અને નિષ્ઠુર માતા-પિતાની ઓળખ મેળવવા માટે શોધખોળ હાથ ધરી છે.