ઘટના@ગુજરાત: દેવભૂમિ દ્વારકાના દરિયામાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, 3નો આબાદ બચાવ, 1 ગુમ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેવભૂમિ દ્વારકાના મકનપુરના દરિયાકાંઠે રજાઓ માણવા આવેલા રાજસ્થાનના ચાર મિત્રો પૈકી એક યુવાન દરિયામાં ડૂબી જતાં ગુમ થયો છે, જ્યારે અન્ય ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા દરિયામાં ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનથી આવેલા ચાર મિત્રો દ્વારકાના દર્શને આવ્યા હતા. આ દરમિયાન ચારેય યુવાનો મકનપુર ગામ નજીક દરિયાકાંઠે નાહવા પડ્યા હતા.
દરિયામાં ભરતીનો પ્રવાહ અચાનક વધી જતા ચારેય મિત્રો ઊંડા પાણીમાં તણાવા લાગ્યા હતા. જેમાથી ચાર પૈકી ત્રણ યુવાનોને બચાવી લેવાયા હતા. એક યુવાન દરિયાના પ્રવાહમાં તણાઈને લાપતા થઈ ગયો હતો. તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘટનાની જાણ થતા જ દ્વારકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા યુવકની શોધખોળ શરૂ કરી છે.

