ઘટના@ગુજરાત: 40 વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ-પગમાં બ્લેડ મારી ઈજા પહોંચાડી, જાણો સમગ્ર મામલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંજીયાસર ગામની પ્રાથમિક શાળાની ઘટના બહાર આવતા આખા રાજ્યમાં ચર્ચા થવા લાગી છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડી છે. આ ઘટના બાબતે વાલીઓને શાળા પાસેથી યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે. આ સાથે રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે, "વીડિયો ગેમનું આવું ભૂત બાળકોને ક્રૂરતા તરફ લઈ જાય છે તે ચિંતાજનક છે."
મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડતા હતા. થોડા દિવસ પહેલા શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં સંચામાં આવતી બ્લેડથી કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું.આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7માં અભ્યાસ કરતા હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માગણી કરેલ છે. શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે.
આ અંગે વાલીઓને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તો બાળકો દ્વારા "અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે." એવું કહીને બહાનાબાજી કરી વાત ઉડાવી દીધી હતી. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળામાં ગયા હતા. ત્યાં અમને યોગ્ય જવાબ ન મળતા અમે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવાની માંગ કરી છે. સરપંચના જણાવ્યા પ્રમાણે, "ગેમ રમતા હોય તેવી વાત કોઈ બાળકે નથી કરી પરંતુ જો શાળામાં બાળક કાંઈપણ કરતા હોય તો જવાબદારી કોની હોય તે શિક્ષકોની હોય છે. શિક્ષકોએ માનસિક ત્રાસ આપ્યો છે કે, 'તમે ઘરે આ અંગેની જાણ ન કરતા'.આ સાથે એમણે શાળાની પણ બેદરકારી હોવાનું જણાવ્યું છે કે, "આટલા બાળકોને હાથમાં બ્લેડ વાગી છે તે છતાં શાળામાંથી કોઈ સારવાર કે ટિટેનસનું ઇન્જેક્શન પણ મુકાવ્યું નથી.