ઘટના@ગુજરાત: યુવાન પર હુમલો, છરી વડે ખૂની હુમલો કરી સોડા બોટલોના આડેધડ ઘા કરી આતંક મચાવ્યો

 
કાર્યવાહી

આરોપી ગડદાપાટુનો માર મારી કાચની બોટલો વડે હુમલો કર્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખીજડાવાળા રોડ પર વિશ્વનગર આવાસ યોજનાના ક્વાર્ટર પાસે જૂના મનદુઃખને કારણે સાતેક શખ્સોએ ભેગા મળી યુવાન ઉપર છરી વડે ખૂની હુમલો કરી સોડા બોટલોના આડેધડ ઘા કરી આતંક મચાવી દીધો હતો. ઘટનાના એક આરોપી ઉપર છરી વડે વળતો હુમલો થયો હતો. આ બન્ને ઘટના અંગે માલવિયાનગર અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ૪/૫ના ખૂણે રહેતા ચેતન ઉર્ફે મહાદેવ ભરતભાઈ સમેચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના બનેવી વિપુલના ઘર પાસે પંદરેક દિવસ પહેલા આરોપી રૃષી અને તેના મિત્રો કોઇને શોધવા ગયા હતા. તે વખતે ગાળો બોલતા હોવાથી તેના બનેવી વિપુલે બધાને ભગાડી દીધા હતા. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ રાત્રે તેની ઉપર હુમલો કર્યો હતો.

ફરિયાદમાં તેણે વધુમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે સાડા બારેક વાગ્યે તે મિત્રો વિપુલ બગથરીયા, અમિત પાંડે અને મયલા ટકા સાથે બનેવી વિપુલના ઘર પાસે વિશ્વનગર આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નં. ૨૧ પાસે બેઠો હતો.જયારે તેનો બનેવી વિપુલ સૂતો હતો. આ વખતે ત્યાં આરોપી રૃષી પદમસિંહ ઠાકુર, દીકુ, પાર્થ, યશ અને તેના અન્ય મિત્રો મળી દસેક શખ્સો જુદા-જુદા ટુ વ્હીલર ઉપર ધસી આવ્યા હતા.આવીને તેને કહ્યું કે તારો બનેવી વિપુલ ક્યા છે. ત્યારબાદ તેને બેફામ ગાળો ભાંડવાનું શરુ કર્યું હતું. તેણે ગાળો ભાંડવાની ના પાડતા રૃષીએ કાંઠલો પકડી લીધા બાદ દીકુએ તેની પાસેની છરી તેના માથાના અને ગળાના ભાગે ઝીંકી દીધી હતી.સૂઇ ગયેલો વિપુલ ઉઠી વચ્ચે પડતા તેને આરોપી પાર્થ અને યશે ગડદાપાટુનો માર મારી કાચની બોટલો વડે હુમલો કર્યો હતો.

પાડોશીઓ ભેગા થતા તમામ આરોપીઓ ભાગી ગયા હતા. તેના માથા અને ગળામાંથી લોહી નીકળતું હોવાથી ૧૦૮માં સિવિલમાં જઇ સારવાર લીધી હતી. જ્યાં તેના માથા અને ગળાના ભાગે ટાંકા આવ્યા હતા.ગાંધીગ્રામ પોલીસ મથકમાં એવી વળતી ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાત્રે તે વિશ્વનગરમાં મારામારી કરી મિત્ર નિરવસિંહને તેના ઘરે મૂકવા જતો હતો તે વખતે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર પહોંચતા બાઇક પર ધસી આવેલા બે શખ્સોમાંથી એકે તેના પડખામાં છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. જેથી તેણે ૧૦૮માં સિવિલ જઇ સારવાર લીધી હતી. જો કે હુમલાખોરો કોણ હતા તે વિશે અજાણ હોવાનું કહેતા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.