ઘટના@ગુજરાત: અંબાજી-દાંતા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 વાહનો ધડાકાભેર અથડાયા, 1નું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશૂળિયા ઘાટીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકસાથે ચાર વાહનો અથડાયા હતા. એક ટ્રકના ક્લીનરનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ડ્રાઇવરને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે રેફર કરવામાં આવ્યો છે. સદભાગ્યે, પોલીસ વાહનોમાં સવાર કોઈ પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ નથી.
આ ઘટનાની શરૂઆત વહેલી સવારે થઈ, જ્યારે ખીલાસરી ભરેલી એક ટ્રક ત્રિશૂળિયા ઘાટીમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં અંબાજી અને દાંતા, બંને પોલીસ સ્ટેશનની બે જીપ ગાડીઓ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી. પોલીસકર્મીઓ જ્યારે અકસ્માતગ્રસ્ત ટ્રકની તપાસ કરી રહ્યા હતા, તે જ સમયે અંબાજી તરફથી પાલનપુર જઈ રહેલી ખીલાસરી ભરેલી બીજી એક ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું હતું. આ ટ્રક એટલી ઝડપે આવી રહી હતી કે તેણે રોડ પર ઊભેલી બંને પોલીસની ગાડીઓને પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પોલીસની બંને ગાડીઓ ફંગોળાઈને હનુમાનજી મંદિરના મેદાન તરફ ખાડામાં પડી ગઈ. ટક્કર મારનાર ટ્રક પણ આગળના ટ્રક સાથે અથડાઈને પલટી મારી ગઈ. આ ઘટનામાં કુલ ચાર વાહનો બે ટ્રક અને બે પોલીસ જીપ અકસ્માતનો ભોગ બન્યા હતા.
અકસ્માતમાં એક ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એક મૃતદેહ હજી પણ ટ્રકના ખીલાસરીના જથ્થા નીચે ફસાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ દાંતાના SDM, મામલતદાર, અને અંબાજી-દાંતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.