ઘટના@ગુજરાત: નર્મદા પંચકોશી પરિક્રમામાં આવેલા યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ભારે ચકચાર

 
ઘટના
પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરવા માટે આવેલા અમદાવાદના એક યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યુ છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર રણછોડજી મંદિર પાસેના પાર્કિંગમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા. જે બાદ તેમનું મોત નીપજ્યું હતું. 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સીમળાજ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

દેવલ સુથાર અગાઉ 4 એપ્રિલના રોજ પરિક્રમા કરીને અમદાવાદ પરત ફર્યા હતા, અને ફરીથી બીજીવાર પરિક્રમા કરવાની ઈચ્છા સાથે પોતાના મિત્રો સાથે આવ્યા હતા.પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તમામ મિત્રો રણછોડજી મંદિર પાસે બેઠા હતા, ત્યારે દેવલ લઘુશંકા કરવાનું કહીને પાર્કિંગ એરિયામાં ગયા હતા. લાંબા સમય સુધી તેઓ પરત ન આવતા મિત્રોએ શોધખોળ કરી હતી. આ દરમિયાન દેવલ પાર્કિંગમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ સફેદ પાવડર અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી.

પોલીસે CCTV ફૂટેજ તપાસતા તેમાં દેવલ સુથાર કોઈ સફેદ પાવડરનો ફાંકો મારીને પાણી પીતા અને ત્યારબાદ પાર્કિંગમાં ઉલટી કરતા જોવા મળ્યા હતા. આ શંકાસ્પદ પાવડર અને અન્ય વસ્તુઓને વધુ તપાસ માટે  FSLમાં મોકલી દેવામાં આવી છે.મૃતકની સાથે આવેલા મિત્રો અને ફરિયાદીએ પોલીસને આપેલા નિવેદન મુજબ, કોઈ વ્યક્તિએ દેવલને બુંદી-સેવ ખવડાવી હતી, જેના પછી આ ઘટના બની હતી. CCTV ફૂટેજને કારણે આ કેસ વધુ ગૂંચવાયો છે. દેવલે ઝેરી પાવડર ખાઈને આત્મહત્યા કરી છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.