ઘટના@ગુજરાત: પાલડીમાં દેરાસરમાંથી મુગટ, કુંડળ સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી

 
જૈન દેરાસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના પાલડીમાં આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી ભગવાનને ચઢાવવામાં આવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. આ ચોરી દેરાસરના પૂજારી અને બે સફાઈ કર્મચારીઓએ મળીને કરી છે. આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 8 ઓક્ટોબરે શિતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામીને ચઢાવવા માટે આવેલી આંગી દેરાસરના ભોંયરામાં લોકર વાળા રૂમમાંથી ગાયબ હોવાની જાણ થઈ હતી.

સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય સભ્યોએ તપાસ કરતા ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ અને અગાઉ દીવાલ પરથી ઉતારીને લોકરમાં મૂકેલા ચાંદીના પૂંઠિયા સહિત 117.336  કિલો ચાંદી ગાયબ છે. આંગી અને દાગીના ગાયબ થતાં જ ટ્રસ્ટીઓએ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ હતો અને તેનો ફોન પણ સ્વિચઓફ આવતો હતો. સફાઈ કામ કરતા કિરણ અને પુરી પણ પોતાના મહેસાણાના વિસનગર ખાતેના વતન (ભાલક ગામ) ભાગી ગયા હતા.ટ્રસ્ટીઓએ દેરાસરના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ચોંકાવનારી હકીકતો સામે આવી. ચોરીના માસ્ટર પ્લાન મુજબ, લોકરની ચાવી ધરાવતા મેહુલે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી. જેથી ચોરીની હરકતો રેકોર્ડ ન થાય. આશરે અઢી કલાક સુધી ચોરીને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યે તેણે ફરી સ્વીચ ચાલુ કરી હતી. સ્વીચ બંધ કરવાની અને ચાલુ કરવાની બંને પ્રવૃત્તિઓ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.