ઘટના@ગુજરાત: ભૂમાફિયાઓએ જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની કરી ઘાતકી હત્યા, લોકોમાં ભારે રોષ

 
ક્રાઇમ

આજે વિંછીયા બંધ નુ એલાન આપવામાં આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે કોઈ તે અંગે ફરિયાદ કરે તો તેમના પર હુમલો કરવામાં આવે છે અને ફરિયાદીની હત્યા પણ કરી દેવામાં આવે છે. ત્યારે વિંછીયાના થોરીયાળી ગામમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની ભૂમાફિયાઓએ ઘાતકી હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.

આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને આજે વિંછીયા બંધ નુ એલાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના વડે ઘાતકી હુમલો કર્યો હતો આ હુમલા માં ઘવાયેલા ઘનશ્યામ રાજપરા ને પહેલા વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરા નું મોત થતા મામલો હત્યામાં પલટાયો છે.

આ મામલે પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા કરવામાં આવી માંગણી કરવામાં આવી છે. તેમજ મૃતકના પરિવારજનોએ હાલ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ મામલે વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા દ્રારા આજે વિંછીયા બંધનુ એલાન અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. રેલી બાદ વિંછીયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. પરિવાજનોએ આ મામલે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી મારા પિતા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજીઓ કરે છે આ અગાઉ પણ આ મામલે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જ્યાં સુધી હત્યારા આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારશે નહીં તેમ પણ પરિવારજનોએ જણાવ્યુ હતું. આ સાથે પરિવારજનોની માંગ છે કે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે.