ઘટના@ગુજરાત: આણંદ હાઇવે પર ત્રણ વાહનોની ટક્કર, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદ-વાસદ-તારાપુર સિક્સ લેન હાઇવે પર આજે (12 ઓક્ટોબર) ત્રણ વાહનોની ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણ બ્રિજ પાસે થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ અન્ય બે વાહનોના ડ્રાઇવરો વાહન મૂકીને ભાગી ગયા હતા.બોચાસણ બ્રિજ ઉપર બે આઇસર ટેમ્પો અને એક કન્ટેનર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
આ ભયાનક અકસ્માતમાં કન્ટેનર ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે, મૃતક ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો અને હાલ તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માત બાદ બંને ટેમ્પો ચાલકો પોતાના વાહન ત્યાં મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ફરાર આઇસર ચાલકોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.