ઘટના@ગુજરાત: ગૃહકંકાસથી કંટાળેલા પિતાએ 6 વર્ષની પુત્રી સાથે ભાદર નદીમાં ઝંપલાવ્યું

 
ઘટના
પિતા-પુત્રીની લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ  જિલ્લામાં પિતાએ 6 વર્ષની પુત્રી સાથે ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પિતાએ પુત્રીને પોતાની સાથે કપડાથી બાંધીને ધોરાજી-જામકંડોરણા વચ્ચે ભાદર નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.ભાદર નદીના પુલ નીચેથી બન્નેના મૃતદેહ મળ્યા હતાં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

જૂનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને પીપર-ચોકલેટની એજન્સી ધરાવતા ફૈઝલ ગાર વિજળીવાળા નામના આધેડ તેની 6 વર્ષની પુત્રી ફાતિમાને ઘરેથી આંટો મારવા બાઈક પર લઈને નીકળ્યા હતા. તેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન ગઈકાલ સવારે ભાદર નદીમાંથી કપડાથી બાંધેલા એકબીજાને ભેટેલા અવસ્થામાં પિતા-પુત્રીની લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

જામ કંડોરણા પોલીસ મથકના પીઆઈ રોહિત વાઢીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસે પિતા-પુત્રીના મૃતદેહ નદીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પીએમ કરાવવા સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતક ફૈઝલના ખિસ્સામાંથી એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં કોઈનો કાંઈ વાંક નથી હું મારી જાતે જ પગલું ભરૂ છું તેવું લખ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્રી હતી. તે ઘરકંકાસ તથા પુત્રીની બિમારીથી સતત તણાવમાં રહેતો હતો. જેથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.