ઘટના@અમદાવાદ: પિતાએ 7 વર્ષના માસુમ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યું, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સરખેજ વિસ્તારમાં 7 વર્ષના માસુમ પુત્ર સાથે કેનાલમાં કૂદીને આપઘાત કરી લેનાર પિતા સોએબના કેસમાં હવે કાનૂની શિકંજો કસાયો છે. પિતા-પુત્રને આપઘાત માટે મજબૂર કરવા બદલ પોલીસે મૃતકની પત્ની સહિત સાસરિયા પક્ષના 6 લોકો સામે દુષ્પ્રેરણનો ગંભીર ગુનો દાખલ કર્યો છે. મૃતકના પિતા દ્વારા પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, મૃતક સોએબની પત્ની મુસ્કાન છેલ્લા 6 મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી.
સોએબને તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથે કથિત અનૈતિક અને અવૈધ સંબંધો હોવાની જાણ થઈ હતી. આ બાબતે દંપતી વચ્ચે અવારનવાર વિવાદ અને કૌટુંબિક કલેશ થતો હતો. પત્ની અને સાસરિયાં તરફથી મળતા માનસિક ત્રાસના કારણે સોએબ ભારે તણાવમાં જીવી રહ્યો હતો.ઘટનાની વિગતો મુજબ, સોએબ પોતાના 7 વર્ષના પુત્રને લઈને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ અડાલજ નર્મદા કેનાલ પાસેથી તેની બાઇક અને મોબાઇલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો અને પોલીસે હાથ ધરેલી શોધખોળ દરમિયાન 1 સપ્ટેમ્બરના રોજ પિયજ પાસેની નર્મદા કેનાલમાંથી સોએબનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન સોએબના મોબાઈલમાંથી એક મહત્વપૂર્ણ પુરાવો મળી આવ્યો હતો.
આપઘાતનું અંતિમ પગલું ભરતા પહેલા સોએબે પોતાના ફોનમાં એક ભાવુક અને સનસનાટીભર્યો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની પત્ની મુસ્કાન અને સાસરિયાંના ત્રાસ તેમજ પત્નીના સંબંધોનો ઉલ્લેખ કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યો હોવાની વ્યથા ઠાલવી હતી. આ વીડિયો અને મૃતકના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે સરખેજ પોલીસે પત્ની મુસ્કાન તેમજ સાસરિયા પક્ષના અન્ય 5 સભ્યો મળી કુલ 6 લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની દુષ્પ્રેરણ અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

