ઘટના@અમદાવાદ: ફૂટપાથ પર બેઠેલા લોકોને ફોર્ચ્યુનર કારે અડફેટે લીધા, માતા-પુત્રનાં કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બેઠેલા લોકોનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક બનેલી આ ઘટનામાં ચણિયાચોળી વેચીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારના ચાર લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં માતા અને તેના 15 વર્ષીય પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારચાલકની ગાડીમાંથી બિયરના બે ટીન મળી આવ્યાં હોવાનું ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું છે. નિકોલમાં અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર કેટલાક શ્રમિક પરિવારો ચણિયાચોળી વેચીને ગુજરાન ચલાવે છે. રાત્રિના સમયે પરિવારના સભ્યો ફૂટપાથ પર આરામ કરી રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે 9:30થી 9:45 વાગ્યાની વચ્ચે નાના ચિલોડામાં રહેતો 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી પોતાની ફોર્ચ્યુનરકાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.
આક્ષેપ છે કે કાર પૂરપાટ ઝડપે આવીને સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.' આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આઈ. સુમરાએ આપેલી માહિતી મુજબ, અકસ્માતમાંકુલ ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમાં પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમના 15 વર્ષીય પુત્ર સાગરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે કાર્તિકભાઈ અને એક અજાણી મહિલાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારમાંથી બિયરના બે ટીન મળી આવ્યાં હતાં.
અકસ્માત બાદ સ્થળ પર એકઠા થયેલા લોકોએ કારચાલકનેમાર માર્યો હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યારબાદ કારચાલકને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જેથી તેની સ્થિતિ અંગે તપાસ કરી શકાય.આ મામલે ટ્રાફિક પોલીસે કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતના સંજોગો, કારચાલકની સ્થિતિ અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

