ઘટના@અમદાવાદ: નિર્ણયનગરમાં એક પછી એક ગેસના બાટલા ફાટતાં ભારે દોડધામ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના નિર્ણયનગરમાં ત્રિસા હોસ્પિટલ નજીક ખુલ્લા મેદાનમાં ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી છે. ફટાકડાની દુકાન પાછળ લાગેલી આગમાં ગેસના બાટલા એક પછી એક ફાટતાં સ્થિતિ ગંભીર બની હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહી છે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં બપોરે આગની ગંભીર ઘટના સામે આવી છે. અહીં આવેલી ત્રિસા હોસ્પિટલ નજીકના ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે ખુલ્લા મેદાનમાં આગ છે તેની નજીક ફટાકડાની દુકાન આવેલી છે. દુકાનની બિલકુલ પાછળ આગ લાગતાં આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગની લપેટો દૂર સુધી જોવા મળી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની ઝપેટમાં આવતા એક પછી એક ગેસના બાટલાફાટ્યા હતા. બાટલા ફાટવાના કારણે મોટા ધડાકા થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ, નુકસાન અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વધુ વિગતો હજુ સામે આવી નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સાવચેતીનો માહોલ છે.

